માહિતી અને પ્રસારણ મંત્રાલય
શ્રી એમ. વેંકૈયા નાયડુએ માહિતી અને પ્રસારણ મંત્રાલયની સલાહ મંત્રણા સમિતિ બેઠકની અધ્યક્ષતા કરી
Posted On:
29 MAR 2017 4:13PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 29-03-2017
માહિતી અને પ્રસારણ મંત્રી, શ્રી એમ. વૈંકૈયા નાયડુએ દેશમાં કમ્યુનિટી રેડિયોના વિકાસ માટેની માર્ગદર્શિકા અંગે ચર્ચા કરવા માહિતી અને પ્રસારણ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી. રાજ્યકક્ષાના માહિતી અને પ્રસારણ મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા.
તેમના પ્રારંભિક ઉદબોધનમાં શ્રી નાયડુએ દેશમાં કમ્યુનિટી રેડિયો ચળવળને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલય દ્વારા લેવાઈ રહેલા વિવિધ પગલાઓ અને પહેલો માટે સમિતિના સભ્યોની પ્રશંસા કરી. તેમણે ઉલ્લેખ કર્યો કે દુરસંચારના અસરકારક માધ્યમ તરીકે કમ્યુનિટી રેડીયોના સાધનને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલયે તાજેતરમાં જ ઉત્તર પૂર્વીય રાજ્યોમાં કમ્યુનિટી રેડિયો સ્ટેશન ઊભા કરવા માટે અપાતી સબસીડીની રકમમાં 50% થી લઈને 90% સુધીનો તેમજ અન્ય રાજ્યોમાં 75%નો વધારો કર્યો છે, જેની મહત્તમ મર્યાદા 7.5 લાખ છે.
દુરસંચારના માધ્યમ તરીકે કમ્યુનિટી રેડિયોનું મહત્વ દર્શાવતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે, સ્થાનિક ભાષા/બોલીમાં લોકોની માહિતીની જરૂરીયાતને પૂરી કરવા માટે તે એક ઉપયોગી સાધન છે. કમ્યુનિટી રેડિયો સ્ટેશનો અનેક વિષયો ઉપર કાર્યક્રમ પ્રસારિત કરે છે કે જે સ્થાનિક સમુદાય માટે તત્કાલીન અગત્યતા ધરાવતા હોય છે તેમજ તે શિક્ષણ, ગ્રામ્ય વિકાસ, ખેતી, આરોગ્ય, પર્યાવરણીય પોષણ, સામાજિક હિત, પંચાયતી રાજના મુદ્દાઓ અને સાંસ્કૃતિક જરૂરિયાતોને લગતી માહિતી પૂરી પાડીને વિકાસને પ્રોત્સાહિત કરે છે. કમ્યુનિટી રેડિયોમાં સામુદાયિક સ્તરે એક મહત્વનો હકારાત્મક સામાજિક બદલાવ લાવવાની ક્ષમતા રહેલી છે. તે ગ્રામ્ય સશક્તિકરણ તેમજ દલિતો અને મહિલાઓના ઉત્કર્ષ માટેના એક સશક્ત સાધન તરીકે પણ કાર્ય કરે છે.
શ્રી નાયડુએ ઉગાડીના આનંદિત પ્રસંગે સંસદના નામાંકિત સભ્યોને શુભેચ્છા પણ પાઠવી હતી. તેમણે ઉમેર્યું કે ઉગાડી એ વસંતના આગમનની ઘોષણા કરે છે અને હુંફાળું વાતાવરણ એ દક્ષિણ ભારતના ઘણા પ્રદેશોમાં નવા વર્ષની શરૂઆતને દર્શાવે છે.આ ઉલ્લાસમય ઉત્સવ વૃદ્ધિ અને સમૃદ્ધિ દર્શાવે છે અને દરેક નવા વર્ષના તહેવારોની સાથે તે નવા સાહસો ખેડવાની તક પૂરી પાડે છે. તેમણે છ વિવિધ રસો (ષડ રૂચી) જેમાં મીઠો, ખાટો, તીખો અથવા જલદ, ખારો, તૂરો અને કડવાના મિશ્રણ ઉગાડી પછાડીના મહત્વને પણ સમજાવ્યું કે જે ખુશી, ધ્રુણા, ક્રોધ, ભય, આશ્ચર્ય અને વિષાદની વિવિધ લાગણીઓના પ્રતિક સમાન છે.
સમિતિના સભ્યોએ કમ્યુનિટી રેડિયોના વિકાસમાં મંત્રાલયના પ્રયત્નોની પ્રશંસા કરી અને દુરસંચારના આ માધ્યમ અંગે જાગૃતિ ફેલાવવા અંગે તેમજ તેનો પ્રસાર વધારવા અંગેના મહત્વના સૂચનો આપ્યા. તેમણે દેશમાં કમ્યુનિટી રેડિયો સ્ટેશનો સ્થાપવા માટેની ઔપચારિક પ્રક્રિયાને ઝડપી તથા સરળ બનાવવાની જરૂરિયાતનો પણ ઉલ્લેખ કર્યો.
મંત્રાલય તરફથી એડિશનલ સેક્રેટરી દ્વારા દેશમાં કમ્યુનિટી રેડિયો ક્ષેત્રની ઝાંખી દર્શાવતું એક પ્રેઝન્ટેશન પણ દર્શાવવામાં આવ્યું. સમિતિના સભ્યોને દેશમાં કમ્યુનિટી રેડિયોની વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલયની પહેલો અને સિદ્ધિઓ અંગે પણ જાણકારી આપવામાં આવી.
સાંસદો શ્રી મનોજ કુમાર તિવારી, શ્રી વિવેક ગુપ્તા, શ્રીમતી દેવ વર્મા (મુન મુન સેન), શ્રી હરિવંશ, શ્રી મધુસુદન મિસ્ત્રી, શ્રી પ્રભાત ઝા અને શ્રી નીરજ શેખર આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સેક્રેટરી શ્રી અજય મિત્તલ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
(Release ID: 1485995)
Visitor Counter : 173