નાણા મંત્રાલય

ગરીબી નિવારણ માટે રાજ્યની વિવિધ સબસીડીના વિકલ્પ રૂપે વૈશ્વિક પાયાની આવકની યોજના

જનધન, આધાર અને મોબાઈલની કાર્યક્ષમ વ્યવસ્થાની જરૂરીયાત ઉપર ભાર મૂકતી સમીક્ષા

Posted On: 31 JAN 2017 5:44PM by PIB Ahmedabad

 નવી દિલ્હી, 31-01-2017

 
સંસદમાં આજે નાણા મંત્રી શ્રી અરૂણ જેટલી દ્વારા રજૂ થયેલી 2016-17ની આર્થિક સમીક્ષામાં દેશમાં ગરીબી ઘટાડવાના એક પ્રયાસ રૂપે સમાજ કલ્યાણની વિવિધ યોજનાઓના સ્થાને વૈશ્વિક પાયાની આવકના વિચારનું સમર્થન કરવામાં આવ્યું છે. સમીક્ષામાં પાયાની આવકની યોજનાના (યુનિવર્સલ બેઝીક ઈન્કમ) લાભ અને ખર્ચની રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની વિચારધારાના સંદર્ભમાં છણાવટ કરવામાં આવી છે. સમીક્ષા જણાવે છે કે એક કુશાગ્ર રાજકીય નિરક્ષક તરીકે મહાત્મા ગાંધીએ પાયાની આવકની યોજના અંગે ચિંતા વ્યક્ત કરી તેને વધુ એક સરકારી કાર્યક્રમ ગણ્યો હોત, પરંતુ એકંદરે જોતાં એમણે આ યોજનાના અમલ માટે મંજૂરી આપી હોત એવી સંભાવના છે.
દેશના વિવિધ જિલ્લાઓમાં અમલમાં મૂકાયેલી કેન્દ્રીય ક્ષેત્રની છ સૌથી વિશાળ યોજનાઓ અને કેન્દ્ર પુરસ્કૃત પેટા યોજનાઓ (અનાજ વગેરેના જાહેર વિતરણની વ્યવસ્થા અને રાસાયણિક ખાતર પર સબસીડી સિવાયની યોજનાઓ) હેઠળ સાધનોની ખોટી ફાળવણી અંગેની મોજણીના આધારે આર્થિક સમીક્ષામાં જણાવાયું છે કે જે જિલ્લાઓની જરૂરીયાતો સૌથી વધુ છે એના સંબંધિત રાજ્યોની કાર્યક્ષમતા સૌથી ઓછી કે નબળી જણાઈ છે. આ એવું સૂચવે છે કે ગરીબોને મદદ કરવાનો વધુ કાર્યક્ષમ માર્ગ એમને પાયાની આવકની યોજના મારફત સાધનો સીધી રીતે પૂરા પાડવાનો છે.
પાયાની આવકની યોજનાના સિદ્ધાંતો અને પૂર્વ જરૂરીયાતોની છણાવટ કરતાં સમીક્ષા જણાવે છે કે આ યોજનાના અમલ માટે કાર્યશીલ ‘જામֹ’ યોજના (જનધન, આધાર અને મોબાઈલ) આવશ્યક છે. આ વ્યવસ્થા સરકાર દ્વારા જે રોકડની ચૂકવણી થાય તે લાભાર્થીના ખાતામાં સીધી પહોંચાડશે. બીજી પૂર્વ જરૂરીયાત આ યોજનાના ખર્ચની વહેંચણી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વાટાઘાટો – સમજૂતી થવી આવશ્યક છે. સમીક્ષા જણાવે છે કે પાયાની આવક જેટલી રોકડ રકમની વહેંચણી કરવાથી ગરીબીમાં 0.5 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે અને આ યોજના માટે જીડીપીના 4 થી 5 ટકાનો ખર્ચ થાય એમ છે. બીજી તરફ મધ્યમ વર્ગના લોકોને અનાજ, પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતર વગેરે ઉપર જે સબસીડી પૂરી પાડવામાં આવે છે એનો ખર્ચ જીડીપીના આશરે 3 ટકા જેટલો થાય છે. સમીક્ષા જણાવે છે કે પાયાની આવક જેટલી રકમની વહેંચણી કરવાનો વિચાર એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે, જે હાલમાં અમલ માટે પરિપક્વ ન જણાતો હોય તો પણ ગંભીર વિચારણા માટે પરિપક્વ છે.
 
 
AP/J.Khunt/GP                                                ક્રમાંક : 65


 


(Release ID: 1481433) Visitor Counter : 170