નાણા મંત્રાલય

સંસદમાં 2016-17ની આર્થિક સમીક્ષા રજૂ કરતાં નાણાં મંત્રી શ્રી અરૂણ જેટલી

વિમુદ્રીકરણ પછી ભરાયેલાં પગલાં તેમજ જરૂરી પ્રમાણમાં ચલણી નોટો ફરી પાછી ચલણમાં આવતાં આર્થિક વૃદ્ધિ પૂર્વવત બનવાનો વિશ્વાસ વ્યક્ત કરતી આર્થિક સમીક્ષા
સીપીઆઈ આધારીત ફુગાવાનો દર ચાલુ નાણાંકીય વર્ષમાં 5 ટકાની આસપાસ સ્થિર રહ્યો
અન્ય ઉદભવતા અર્થતંત્રની સરખામણીએ રૂપિયાની કામગીરી વધુ સારી રહી હોવાનું જણાવતી સમીક્ષા
રવિ પાક હેઠળ આવરી લેવાયેલો 616.2 લાખ હેક્ટરનો વિસ્તાર જે આગલા વર્ષ કરતાં 5.9 ટકા વધુ
ચણાની દાળના પાક હેઠળ આવરી લેવાયેલા વિસ્તારમાં 10.6 ટકાનો વધારો

Posted On: 31 JAN 2017 5:40PM by PIB Ahmedabad

 નવી દિલ્હી, 31-01-2017

 
ભારતીય અર્થતંત્રએ 2016-17ના વર્ષમાં પ્રમાણમાં નીચો એવો ફુગાવાનો દર, વિત્તીય શિસ્ત કરન્ટ એકાઉન્ટમાં સામાન્ય ખાધ અને રૂપિયાની સામે ડોલરના સ્થિર વિનિમય દરનો અનુભવ કર્યો છે. સંસદમાં કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ આજે રજૂ કરેલી આર્થિક સમિક્ષામાં જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક મંદીના વાતાવરણમાં ભારતીય અર્થતંત્રએ આ પ્રકારની મુશ્કેલીઓ સફળતાથી પસાર કરી છે. મોજણીમાંના મહત્વના મુદ્દા નીચે મુજબ છે :
·         સેન્ટ્રલ સ્ટેટીસ્ટિક્સ ઓફિસે બહાર પાડેલા અંદાજો (એડવાન્સ્ડ એસ્ટીમેટ) મુજબ એકધારા બજાર ભાવોના ધોરણે 2016-17ના વર્ષ માટે જીડીપીમાં વૃદ્ધિનો દર 7.1 ટકા રહેશે, જે 2015-16માં 7.6 ટકા હતો. આ અંદાજ મુખ્યત્વે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 7 થી 8 વર્ષમાં મળેલી માહિતી પર આધારિત છે. ચાલુ વર્ષે જીડીપીમાં થયેલી વૃદ્ધિમાં સરકાર દ્વારા વપરાશ માટે થયેલા ખર્ચે સૌથી મુખ્ય ભૂમિકા ભજવી છે.
·         જીડીપી સામે ફિક્સ રોકાણનો રેશિયો (ચાલુ ભાવે) 2016-17 માટે 26.6 ટકા અંદાજવામાં આવ્યો છે, જે આગલા વર્ષે 29.3 ટકા હતો.
·         2017-18ના વર્ષ માટે વિકાસનો દર પૂર્વવત બનવાની ધારણા છે કારણ કે વિમુદ્રીકરણ પછી ભરાયેલાં વિવિધ પગલાં તેમજ ચલણમાં જરૂરી પ્રમાણમાં જે નવી ચલણી નોટો મુકવામાં આવી છે, એનો અનુકળ પ્રભાવ પડ્યો છે. 2017-18માં ભારતીય અર્થતંત્રમાં વિકાસનો દર 6.75 થી 7.50 ટકા થવાની ધારણા છે.
વિત્તીય
·         એપ્રિલ થી નવેમ્બર 2016ના ગાળામાં પરોક્ષ કરવેરાની આવકમાં 26.9 ટકાનો વધારો થયો હતો. 
·         એપ્રિલ થી નવેમ્બર 2016ના ગાળામાં મહેસૂલી ખર્ચમાં ભારે વધારો થયો હતો જેનું મુખ્ય કારણ 7માં પગાર પંચના અમલને કારણે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થયેલો 23.2 ટકાનો વધારો અને કેપિટલ એસેટ્સ ઉભી કરવા માટેની ગ્રાન્ટમાં કરાયેલો 39.5 ટકાનો વધારો હતું.
ભાવો
·         કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ધોરણે સતત ત્રીજા વર્ષમાં ફૂગાવો નિયંત્રણમાં રહ્યો હતો. 2015-16માં સરેરાશ ફુગાવો, જે 2014-15માં 5.9 ટકા હતો એ ઘટીને 4.9 ટકા થયો હતો.
·         જથ્થાબંધ ભાવાંકના ધોરણે 2015-16માં ફુગાવો ઘટીને (-2.5) ટકા થયો હતો, જે 2014-15માં 2 ટકા રહ્યો હતો. ફુગાવાની વધઘટમાં ખાદ્ય ચીજોનું ગૃપ ખાસ કરીને કઠોળ મહત્વની ભૂમિકા ભજવે છે. સીપીઆઈ આધારિત ફુગાવો ચાલુ નાણાંકીય વર્ષમાં સરેરાશ 5 ટકા રહ્યો છે.
વ્યાપાર
·         નિકાસનો નકારાત્મક વૃદ્ધિદર 2016-17માં - એપ્રિલ થી ડિસેમ્બરમાં કંઈક બદલાયો હતો જેનું કારણ અમેરિકા ખાતે નિકાસમાં થયેલો 0.7 ટકાનો વધારો હતો. 2016-17માં આ જ ગાળામાં આયાતમાં 7. 4 ટકાનો ઘટાડો થયો હતો.
·         વ્યાપારની ખાધ 2016-17માં (એપ્રિલ થી ડિસેમ્બર) એના આગલા વર્ષની સરખામણીએ ઘટીને 76.5 અબજ ડોલર થઈ હતી.
·         2016-17માં રૂપિયાના ચલણની કામગીરી મોટાભાગના અન્ય ઉદભવતા બજાર અર્થતંત્ર કરતાં સારી રહી હતી.
વિદેશી દેવું
·         સપ્ટેમ્બર 2016ના અંતે ભારતનું વિદેશી દેવું – ડેટ સ્ટોક 484.3 અબજ ડોલર હતું જે માર્ચ 2016ના અંતની સરખામણીએ 0.8 અબજ ડોલરનો ઘટાડો દર્શાવે છે.
કૃષિ ક્ષેત્ર
·         2016-17ના વર્ષમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ 4.1 ટકા થવાનો અંદાજ છે, જે વિકાસ દર 2015-16માં 1.2 ટકા હતો. વિકાસ દરમાં આ વૃદ્ધિ મુખ્યત્વે આગલા બે વર્ષની સરખામણીએ દેશમાં થયેલા ઘણાં સારા વરસાદને આભારી છે.
·         રવિ પાક હેઠળ 616.2 લાખ હેક્ટરનો વિસ્તાર 13મી જાન્યુઆરી, 2017 સુધીમાં આવરી લેવાયો છે, જે આગલા વર્ષના સમાનગાળાની સરખામણીએ 5.9 ટકા વધુ છે. આ જ સમયગાળા સુધીમાં ઘઉંના પાક હેઠળ આવરી લેવાયેલો વિસ્તાર 7.1 ટકાનો જ્યારે ચણાના પાક હેઠળનો વિસ્તાર 10.6 ટકાનો વધારો દર્શાવે છે.
·         ઉદ્યોગો 2016-17માં ઔદ્યોગિક ક્ષેત્રનો વૃદ્ધિદર 5.2 ટકા અંદાજવામાં આવ્યો છે, જે 2015-16માં 7.4 ટકા હતો. એપ્રિલ થી નવેમ્બર 2016-17માં ઔદ્યોગિક ઉત્પાદનના આંકમાં 0.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
·          આંતર માળખાને ટેકા રૂપ 8 હાર્દરૂપ ઉદ્યોગો જેમાં કોલસા, ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરીની બનાવટો, રાસાયણિક ખાતર, પોલાદ, સિમેન્ટ અને વિજળીનો સમાવેશ થાય છે એમાં 4.9 ટકાની એપ્રિલ થી નવેમ્બર 2016-17માં વૃદ્ધિ નોંધાઈ હતી. આગલા વર્ષે આ વૃદ્ધિનો દર 2.5 ટકા હતો. દેશમાં રિફાઈનરીની બનાવટો, રાસાયણિક ખાતરો, પોલાદ, વિજળી અને સિમેન્ટના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો હતો. જ્યારે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. કોલસાનું ઉત્પાદન પણ ઘટ્યું હતું.
·         દેશના કોર્પોરેટ ક્ષેત્રમાં 2016-17ના પહેલા ત્રિમાસિક ગાળામાં વેચાણમાં 0.1 ટકાનો જ્યારે બીજા ત્રિમાસિક ગાળામાં 1.9 ટકાનો વધારો નોંધાયો હતો. આજ પ્રમાણે પહેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફાના દરમાં થયેલા 11.2 ટકાના વધારાની સરખામણીએ બીજા ત્રિમાસિક ગાળામાં 16 ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો હતો.
·         સેવા ક્ષેત્રમાં વૃદ્ધિનો દર 2016-17માં 8.9 ટકા રહ્યો હતો, જે લગભગ આગલા વર્ષ જેટલો જ છે.
·         સંસદે “શારીરિક માનસિક અશક્તિ ધરાવતા લોકોના હક્ક અંગેનો ધારો 2016” પસાર કર્યો છે. આ કાયદાનું લક્ષ્ય વિકલાંગોના હક્ક અને અધિકારમાં વધારો થાય તે જોવાનું છે. આ કાયદામાં જે લોકો ચોક્કસ બેન્ચમાર્ક જેટલી શારિરીક-માનસિક અશક્તિ ધરાવતા હોય અને જેમને ખૂબ જ વધુ પ્રમાણમાં ટેકારૂપ જરૂરીયાતોની આવશ્યકતા હોય એમને માટે સરકારી એકમોમાં અનામત જગ્યાનું પ્રમાણ જે અગાઉ 3 ટકા હતું એ વધારીને 4 ટકા કરવામાં આવ્યું છે.
 
 
 
AP/J.Khunt/GP                                                ક્રમાંક : 64


(Release ID: 1481432) Visitor Counter : 285