માહિતી અને પ્રસારણ મંત્રાલય
લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા અંગે યુવા મતદારો સાથે યોજાયો સંવાદ અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ
કેન્દ્રીય સંચાર બ્યુરો અને ગુજરાત યુનિવર્સિટીનું મતદાર જાગૃતિ સંદર્ભે સંયુક્ત આયોજન
મજબૂત લોકતંત્રના પાયામાં પ્રત્યેક મત છે મહત્વનો, માટે મતદાન અવશ્ય કરીએ: અધિક ચૂંટણી અધિકારી, અમદાવાદ
યુવાનો દેશના લોકતંત્રને જાણે, સમજે અને જવાબદારીપૂર્વક તેના મૂલ્યવાન મતનો ઉપયોગ કરે તે ખૂબ જરૂરી: એડીજી,પી.આઈ.બી, અમદાવાદ
Posted On:
15 NOV 2022 4:10PM by PIB Ahmedabad
ગુજરાતના આંગણે લોકશાહીનો અવસર આવ્યો છે અને તે આપણે સૌએ સાથે મળીને ઉજવવાનો છે. લોકતંત્રમાં મતદારથી મોટું કોઈ નથી અને મજબૂત લોકતંત્રના પાયામાં એક એક મત મહત્વનો છે માટે પ્રત્યેક મતદાર તેના મતનો ઉપયોગ અવશ્ય કરે અને મતદાન અચૂક કરે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે યુવા સંવાદ કાર્યક્રમને સંબોધતા અમદાવાદના અધિક ચૂંટણી અધિકારી ડૉ.સી.પી.પટેલે આ વાત કરી હતી.
મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે પાંચ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાં ભાગરૂપે યુવા મતદારોને દેશની ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી પ્રાપ્ત થાય તેમજ લોકશાહીમાં મતદાર અને મતના મૂલ્ય વિશે સમજ સાથે ઉચિત માર્ગદર્શન આપવાના હેતુથી યુનિવર્સિટીનાં ઝૂઓલોજી સેમીનાર હોલ ખાતે યુવા સંવાદ અને પ્રશ્નોત્તરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી પ્રકાશ મગદુમે યુવાનોને ચૂંટણી પંચ દ્વારા દેશમાં યોજાતી વિભિન્ન ચૂંટણીઓ અંગે અને તેની પ્રક્રિયા અંગે સમજ સાથે જાણકારી પૂરી પાડી હતી. સાથે જ શ્રી મગદુમે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા કરાતી કામગીરી અને જનજાગૃતિતાના વિભિન્ન કાર્યક્રમો અંગે માહિતી પૂરી પાડી હતી. વધુમાં દેશના યુવાનો લોકતંત્રને જાણે સમજે અને તેના મૂલ્યવાન મતનો ઉપયોગ અવશ્ય કરે તે ખૂબ જરૂરી હોવાનું શ્રી મગદુમે યુવાનોને જણાવ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટર ડૉ. પી.એમ.પટેલે વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો આપણે સૌ એક ભાગ છીએ તેનો ગર્વ હોવાનું જણાવી પ્રત્યેક યુવાને અવશ્ય મતદાન કરવું જોઈએ અને અન્ય મતદારોને પણ અચૂકથી મતદાન કરવા પ્રેરણા આપવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન નાટકના માધ્યમથી મતદાન જાગૃતિ નો સંદેશ આપવામાં આવ્યો હતો સાથે જ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં વિજેતા થયેલા યુવા મતદારોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મતદાન જાગૃતિના સંદેશ સાથેની બેગનું વિમોચન અને વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ યુવા મતદારોને અચૂક મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા હતા.કાર્યક્રમમા જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ. ચૌધરી, કેન્દ્રીય સંચાર બ્યુરોના એકાઉન્ટ ઑફિસર રાજીવકુમાર ઝા, ફિલ્ડ એકઝિબિશન ઑફિસર સુમનબેન મછાર, પ્રદર્શન સહાયક જીતેન્દ્ર યાદવ, સહિત યુનિવર્સિટીના વિભિન્ન વિભાગના અધિકારી-કર્મચારીગણ તેમજ કોલેજના યુવા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી અને ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ ડો.યોગેશ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1876121)
Visitor Counter : 581